એક દેશમાંથી બીજા દેશમાં મોટા ભાગે સોનાની કે ડ્રગ્સની દાણચોરી અંગે સાંભળવા મળે છે. પરંતુ સુરતમાંથી કતાર અને દુબઈમાં પ્રતિબંધિત એવી એબોર્શનની દવાની દાણચોરીનું રેકેટ સામે આવ્યું છે. આ રેકેટ ચલાવવા માટે મુંબઈમાં બેસેલો અન્ના નામનો શખ્સ ડોલર અને કોસ્મેટિક મોકલવાના નામે ગરીબ મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરે છે. તાજેતરમાં જ આ મામલે સુરતની બે મુસ્લિમ મહિલાની પ્રતિબંધિત દવાઓ લાવવા આરોપસર કતાર એરપોર્ટ બહાર ધરપકડ કરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, આ કામ માટે ગરીબ ઘરની મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે. રેકેટમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. કતારની જેલમાં કેદ બે મહિલામાંથી એકની બહેને જણાવ્યું હતું કે, બન્ને બહેનો સુરતના સૈયદપુરા-રામપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં માતા સાથે રહે છે. પોતે સીવણ કામ કરે છે અને માતા શાકભાજીનું વેચાણ કરે છે. ઘરની પરિસ્થિતિ ખરાબ છે. છેલ્લા ત્રણ મહિનાથી વીજળીનું બીલ અને ભાડા ભરવા માટે પણ પૈસા નહોંતા. આ વચ્ચે તેમના નાનપણની બહેનપણી શબનમે તેમને જણાવ્યું હતું કે, તેમના એક ઓળખીતા અન્નાભાઈ કે જેઓ મુંબઈ રહે છે, તેઓ ગરીબ મહિલાઓને કતાર મોકલે છે અને 15 હજાર રૂપિયા આપે છે.
આ મહિલાઓને માત્ર ત્યાં કતાર જઈને જે ડોલર તેમને આપવામાં આવ્યા છે, તે ત્યાં સુપ્રત કરવાના હોય છે. આ માટે તેઓને 15 હજાર રૂપિયા આપે છે, પણ તમને 20 હજાર આપશે. આ માટે પાસપોર્ટ અને વિઝા તમામની વ્યવસ્થા અન્નાભાઈ કરીને આપે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ કામ માટે શબનમબેને કતારની જેલમાં કેદ મહિલા અને તેની માતાને કહ્યું હતું, પરંતુ તે સમયે બન્નેએ ના પાડી દીધી. જે બાદ ઘરની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતાં આફરિન આ કામ માટે તૈયાર થઈ ગઈ હતી.