કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારના એજન્ટો પર સિક્રેટ માહિતી એકઠી કરવાનો, ટાર્ગેટ કિલિંગ કરવાનો, કેનેડિયન નાગરિકોને ધમકાવવાનો અને હિંસામાં સામેલ કરવાનો આરોપ મૂક્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના પુરાવાઓને ટાંકીને, ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડામાંથી હાંકી કાઢવામાં આવેલા છ ભારતીય સરકારી એજન્ટો જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.ટ્રુડોએ એમ પણ કહ્યું કે કેનેડાએ આ બાબતો પર ભારત સરકાર સાથે કામ કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ભારતે દરેક વખતે મદદ કરવાનો ઇનકાર કર્યો.
વાસ્તવમાં ટ્રુડો સરકાર દ્વારા મોકલવામાં આવેલા લેટર બાદ આ સમગ્ર મામલો ગરમાયો હતો. લેટરમાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય કેટલાક રાજદ્વારીઓને કેનેડિયન નાગરિકની હત્યામાં શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યા હતા. આ પછી કેનેડાએ ભારતના 6 રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું. તેના જવાબમાં ભારતે કેનેડાના કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર સહિત 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું છે. જોકે કેનેડિયન નાગરિક વિશે માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહી છે.
કેનેડાના પોલીસ કમિશનર માઈક ડુહેમે પણ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓએ તેમના પદનો દુરુપયોગ કર્યો છે અને ગુપ્ત રીતે ભારત સરકાર માટે માહિતી એકઠી કરી છે. આ માટે ભારતીય અધિકારીઓએ એજન્ટોનો ઉપયોગ કર્યો હતો. આમાંના કેટલાક એજન્ટોને ભારત સરકાર સાથે કામ કરવા માટે ધમકીઓ અને દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયાના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. અમે ભારત સરકારના અધિકારીઓને આના પુરાવા આપ્યા હતા અને તેમને હિંસા રોકવા અને સહયોગ કરવાની અપીલ કરી હતી.
આરોપો વાહિયાત : ભારત વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘હાઈ કમિશનર વર્માને સુરક્ષા આપવા માટે અમને કેનેડા સરકાર પર વિશ્વાસ નથી. ભારત આ વાહિયાત આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આની પાછળ ટ્રુડો સરકારનો રાજકીય એજન્ડા છે, જે વોટ બેંકથી પ્રેરિત છે. કેનેડા લાંબા સમયથી આવું કરી રહ્યું છે. તેમની કેબિનેટમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ભારત વિરુદ્ધ ઉગ્રવાદી અને અલગતાવાદી એજન્ડા સાથે સંકળાયેલા છે. ટ્રુડોએ સપ્ટેમ્બર 2023માં કેટલાક આરોપો લગાવ્યા હતા. જો કે, કેનેડાની સરકારે ઘણી વખત પૂછવા છતાં ભારત સરકાર સાથે એક પણ પુરાવા શેર કર્યા નથી. આ નવો આરોપ પણ આવી જ રીતે લગાવવામાં આવ્યો છે.