આસામના જમીયત ઉલેમાના વડા અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા મૌલાના બદરુદ્દીન અજમલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘ભારતમાં નવા સંસદ ભવનની ઈમારત વકફની જમીન પર બની છે.’ વકફ બિલ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તમામ ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોએ આ બિલની સમીક્ષા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિનો બહિષ્કાર કર્યો છે.
અજમલે કહ્યું કે, પાંચ કરોડ લોકોએ જેપીસીને સંદેશ મોકલીને આ બિલનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે, જે દર્શાવે છે કે આ બિલને લઈને લોકોમાં કેટલી નારાજગી છે.
અજમલે એ પણ જાહેરાત કરી હતી કે જમીયત ઉલેમા-એ-હિંદ બિલને પડકારવા માટે આસામમાં વક્ફ બોર્ડની જમીનનો સર્વે કરશે. જેથી બિલને ચેલેન્જ કરી શકાય. તેમણે દાવો કર્યો કે સંસદની નવી ઇમારત વકફની જમીન પર બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે વકફ બિલ મુદ્દે કાનૂની લડાઈ ચાલુ રહેશે.
વકફ બિલ પર જેપીસીની બેઠકમાં સોમવાર અને મંગળવારે મોટી ઘમાસાણ મચી હતી. વિરોધ પક્ષોએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપના સભ્યોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, ગાળો આપી. વિપક્ષી સાંસદોએ ઓમ બિરલાને પત્ર લખીને તેમની ફરિયાદ નોંધાવી છે. વિપક્ષી સાંસદોએ કહ્યું હતું કે સમિતિની કાર્યવાહી નિયમો અને પ્રક્રિયાઓ મુજબ થઈ રહી નથી. કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને ઈમરાન મસૂદ, ડીએમકેના એ રાજા, શિવસેના (યુબીટી)ના અરવિંદ સાવંત, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાહ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહે બેઠકનો વિરોધ કર્યો હતો.