ભારત અને કેનેડામાં ચાલી રહેલા ટકરાવ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે પોતાના સંબંધને લઇને કબુલાત કરી છે. પન્નુએ દાવો કર્યો કે તે ગત ત્રણ વર્ષમાં ટ્રુડો સાથે સીધા સંપર્કમાં રહ્યો છે અને તેને જ ભારત વિરૂદ્ધ જાણકારી આપી હતી જેના પર ટ્રુડોએ કાર્યવાહી કરી છે.કેનેડાએ ગત વર્ષે ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યા મામલે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. તે બાદ સોમવારે કેનેડાના છ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ વચ્ચે પન્નુએ કેનેડાની ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે જેમાં આ કાર્યવાહી તેના કહેવા પર થઇ હોવાનો ખુલાસો કર્યો છે.
કેનેડાએ ફરી આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓનો હાથ છે. આ સાથે તેણે ભારતના હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને પાછા બોલાવી દીધા છે. આ આરોપો બાદ કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. કેનેડાએ મંગળવારે કહ્યું કે તેણે ‘ફાઇવ આઇઝ’ (ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુકે અને અમેરિકા)ને આ અંગે જાણ કરી છે. હવે અમેરિકાએ કેનેડાના આરોપોને ખૂબ જ ગંભીર ગણાવતા ભારતને તપાસમાં સહકાર આપવા વિનંતી કરી છે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, ‘અમે સ્પષ્ટ કર્યું છે કે કેનેડાના આરોપો ખૂબ ગંભીર છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા અને તેની તપાસમાં સહકાર આપે. પરંતુ ભારતે વૈકલ્પિક રસ્તો પસંદ કર્યો.’