જો વાઘ અને અન્ય ખતરનાક પ્રાણીઓ પણ રોડ પર જોવા મળે તો? ભલભલાના હાજા ગગડી જાય. આવું જ કાંઇક તેલંગાણામાં જોવા મળ્યું હતું. જંગલી પ્રાણીઓની લઈ જતી ટ્રકનો અકસ્માત થયો હતો. અને ટ્રકમાં રહેલા જાનવરો બહાર આવી ગયા હતા.
માહિતી અનુસાર પટનાના સંજય ગાંધી બાયોલોજિકલ પાર્કથી બેંગલુરુના બન્નરઘટ્ટા નેશનલ પાર્કમાં જંગલી પ્રાણીઓને લઈ જતી ટ્રક તેલંગાણાના નિર્મલ જિલ્લામાં પલટી ગઈ. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. નિર્મલની મોન્ડીગુટ્ટા ફોરેસ્ટ ચોકી પાસે બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે આ ઘટના બની હતી. આ સમય દરમિયાન, ડ્રાઈવર કથિત રીતે વાહન બેદરકારીથી ચલાવી રહ્યો હતો જેના કારણે વાહન નેશનલ હાઈવે-44 પર સિમેન્ટના થાંભલા સાથે અથડાયું અને પલટી ગયું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આઠ મગર અને એક સફેદ વાઘ અને અન્ય જંગલી પ્રાણીઓને પટનાથી એક ટ્રકમાં બેંગલુરુ લઈ જવામાં આવી રહ્યા હતા અને ઘટના બાદ તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ મામલામાં નિર્મલ જિલ્લાના પોલીસ અધિક્ષક જાનકી શર્મિલાએ કહ્યું, “ઘટના પછી આઠમાંથી બે મગર વાહનમાંથી બહાર આવ્યા. તેઓ રસ્તા પર ભાગી ગયા હતા, જેના કારણે અધિકારીઓના હોશ ઉડી ગયા હતા, જોકે તેઓ થોડીવાર પછી પકડાઈ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે વનકર્મીઓની મદદથી બે મગરોને પકડી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. તેમણે એવી પણ માહિતી આપી હતી કે વન્ય પ્રાણીઓને લઈ જવા માટે અન્ય વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ટ્રક ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.