રાજ્યમાં હાલ વિદ્યાર્થી હોય કે અભ્યાસ કરી ચૂકેલા યુવાનો વિદેશ જવા માટે ઉત્સુક રહેતા હોય છે અને વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી કેટલીક એજન્સીઓ દ્વારા અલગ અલગ દેશના વિઝા સરળતાથી આપવાની લાલચ આપીને મસ મોટા કરોડોના કૌભાંડ આચરવામાં આવતા હોય છે.
સમગ્ર રાજ્યમાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીઓને ત્યાં સીઆઇડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે ચિલોડામાં આવેલી વિઝા કન્સલ્ટન્સીમાથી જપ્ત કરાયેલા કમ્પ્યુટર ડેટામાં મેવાડ યુનિવર્સિટીની નકલી માર્કશીટ મળી આવતા યુનિવર્સિટીના કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં વ્યાપક બનેલી આ સંદર્ભેની ફરિયાદોને પગલે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા સહિતની વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે અંતર્ગત મોટા ચીલોડા ખાતે સેતુ સ્કવેર કોમ્પલેકસમાં આવેલા એમ.ડી. ઓવરસીઝમાં દરોડો પાડી કોમ્પ્યુટર, ચાર મોબાઇલ ફોન જપ્ત કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
એફએસએલ દ્વારા ક્લોન કોપી કરી કેટલીક પીડીએફ ફાઈલો રિકવર કરીને સીઆઇડીને ડેટા મોકલી આપવામાં આવ્યો હતો. તપાસમાં કેટલાક સ્ટુડન્ટ્સનાં પાસપોર્ટ તેમજ રાજસ્થાન ચિત્તોડગઢની મેવાડ યુનિવર્નીસીટીની માર્કશીટ – સર્ટિફિકેટની કોપીઓ મળી આવી હતી.જેનું યુનિવર્સિટીમાં ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવતા તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવટી હોવાનું યુનિવસટી દ્વારા ખુલાસો કરાયો હતો.
ખોટી માર્કશીટ બનાવીને રૂપિયા કર્યા ચાંઉ
જેનાં પગલે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ફાયદા માટે મેવાડ યુનિવર્સિટીના કર્મચારી અભિષેક કુમારે ઠગાઇ કરવાના હેતુથી ખોટી માર્કશીટ બનાવી એડમીશન આપવાની જગ્યાએ સ્ટુડન્ટ્સને અંધારમા રાખી ફીની પહોંચ ભરાવડાવી મેવાડ યુનિવર્સિટીની બનાવટી સહી સીક્કા વાળી માર્કશીટો તથા સર્ટીફીકેટ બનાવીને આપ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી સીઆઇડી ક્રાઇમ દ્વારા અભિષેક કુમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.