સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર દારૂ ભરેલી પિકઅપ વાન પલટી જતાં દારૂબંધીના ધજાગરા ઉડાવતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. દારૂ ભરેલી પિકઅપ વાન પલટી જતાં કેટલાક પ્યાસાઓ આફતમાં અવસર શોધી લીધો હોય એમ દારૂની બોટલ લેવા પડાપડી કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. કેટલાક લોકો એક-બે બોટલ લીધી તો કેટલાક તો આખેઆખી પેટી જ ઉઠાવી જતા જોવા મળ્યા હતા.
દારૂ લેવા માટે પડાપડી કરી રહેલા લોકોને જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે એ વીડિયો લીંબડી-રાજકોટ હાઈવે પર આવેલા વસ્તડી ગામ પાસેનો છે. અહીં કોઈ કારણોસર દારૂ ભરેલી પિકઅપ વાન પલટી ગઈ હતી, જેના કારણે રસ્તા પર દારૂની રેલમછેલ સર્જાઈ હતી. આ સમયે જ અહીંથી પસાર થતા કેટલાક વાહનચાલકોએ તક ઝડપી લીધી હતી અને રસ્તા પર જ પોતાનાં વાહનોને બ્રેક લગાવી અકસ્માતગ્રસ્ત વાનમાંથી દારૂની બોટલો અને પેટીઓ લેવા પડાપડી કરી હતી.
લીંબડી-રાજકોટ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હાઈવે છે. આ હાઈવે પર દારૂ ભરેલી પિકઅપ વાન પલટી ગયા બાદ પ્યાસાઓએ ટ્રાફિકની ચિંતા કર્યા વગર રસ્તા પર જ પોતાની મોટરસાઇકલ અને બાઈક ઊભી રાખી દારૂની બોટલ લેવા પડાપડી કરી હતી. કેટલાક એક-બે બોટલ લઈને તો કેટલાક તો પેટીઓ જ ઉઠાવીને ભાગતા નજરે પડ્યા હતા. અકસ્માતના પગલે લીંબડી-રાજકોટ હાઈવે પર ભારે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઘટનાની જાણ થતાં જોરાવરનગર પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ દારૂ લેવા પડાપડી કરતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.