ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાકાર રાજભા ગઢવીનો ‘આહવા ડાંગનાં જંગલોમાં લૂંટી લેવામાં આવે છે…’ એ પ્રકારના નિવેદનનો વીડિયો વાઇરલ થયો છે. ત્યારે આ મામલે આદિજાતિ વિકાસમંત્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું, હું તેમના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. તમારે જાહેરમાં માફી માગવી પડશે, નહિ તો અમે તમારા ડાયરા બંધ કરાવી દઈશું. એ બાદ રાજભા ગઢવીએ માફી માગતાં કહ્યું, હવેથી આ રીતે નહીં બોલું.
લોકસાહિત્ય અને લોકકલાકાર રાજભા ગઢવી વિવાદમાં સપડાયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે એક લોકડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં વિવાદ ઊભો થયો છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર હાલ રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો લોકડાયરા કાર્યક્રમનો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી કહેતા સંભળાય છે કે ગુજરાતના ડાંગ આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે.
માંડવી વિધાનસભાના ધારાસભ્ય તેમજ આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજભા ગઢવીનો એક વીડિયો મેં જોયો છે, એમાં ચાલુ ડાયરામાં તેમણે અમારી ડાંગની ભોળી પ્રજા પર જે આક્ષેપ કર્યો છે કે પહેલાં ડાંગમાં જતા તો લૂંટારાઓ લૂંટી લેતા હતા. પણ મારે કહેવું છે કે રાજભાને ખબર નહિ હોય કે આ જ આદિવાસી ભોળો સમાજ સાપુતારામાં જ્યારે મલ્હાર દિવસ ઊજવે છે ત્યારે તમારા જેવી અનેક પ્રજા ત્યાં આવે છે. ત્યારે તેમનું સન્માન કરવા માટે મારી ડાંગની દીકરીઓ ડાંગી નૃત્ય કરીને તમારું સન્માન કરે છે. એ તમારે ભૂલવું ના જોઈએ. તમે જે નિવેદન કર્યું છે એ નિવેદનને હું સખત શબ્દોમાં રાજ્યના મંત્રી તરીકે અને ડાંગના પ્રભારી મંત્રી તરીકે વખોડી નાખું છું.
રાજભા ગઢવીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે હું. કહેવા માગું છું કે આદિવાસી વનબંધુઓને એવું લાગ્યું કે હું મારા ડાયરામાં જે બોલ્યો એનાથી તેમની લાગણી દુભાઈ છે, જોકે હું આદિવાસી કે વનવાસી શબ્દ ક્યાંય બોલ્યો નથી. હું પણ વનબંધુ છું. હું તમારી લાગણીને વંદન કરું છું. ડાંગના લોકો લૂંટી લે છે એવું હું ક્યાય બોલ્યો નથી. મેં તો લૂંટારા લૂંટી લે છે એમ કહ્યું હતું. મારા બોલવાથી કોઈની લાગણી દુભાઈ એનું મને ઘણું દુ:ખ છે. મેં આદિવાસીઓના ગૌરવશાળી ઈતિહાસ વિશે ઘણી વાતો કરી છે, તમે એ સારી બાબતો ધ્યાનમાં લેજો. હા, એક વાત છે કે મારે ડાંગ-આહવા વિસ્તાર એવું ન બોલવું જોઈએ. હવેથી હું આ રીતે નહીં બોલું.






