એક વર્ષમાં 5631 કેરેટ હીરા, 8.42 કરોડનું 10.84 કિલો સોનું, 2.22 લાખ ડોલર તથા દિરહામ અને રીયાલ કરન્સી ઝડપાઈ રાજ્યમાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની સાૈથી વધુ દાણચોરી, જ્યારે સુરતમાં હીરા લવાઈ રહ્યા છે
સુરત એરપોર્ટ પર દાણચોરી વધી રહી છે, છેલ્લા એક વર્ષમાં 40.54 કરોડની દાણચોરી પકડાઈ છે. જેમાં સૌથી વધુ 30.16 કરોડના હીરા મળી આવ્યા છે. દાણચોરો પાસેથી 8.42 કરોડની કિંમતનું 10,846 ગ્રામ સોનું તથા ડોલર, દિરહમ અને રિયાલ જેવી કરન્સી પણ કબજે લેવાઈ છે.
દેશભરના દાણચોરોની સિન્ડિકેટ પોતાના પેડલરોને અખાતી દેશોમાં મોકલી સોનાની દાણચોરી કરાવી રહ્યા છે. આમ, આવી સ્થિતિ વચ્ચે જ અમદાવાદ એરપોર્ટ બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું સેકેન્ડ હબ બની રહ્યું છે. દાણચોરોને ઝડપી લેવા માટે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સના ઓફિસરોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
એકાદ વર્ષમાં કસ્ટમના ટ્રેઇન્ડ ઓફિસરોએ ચાર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા છે. કારણ કે, દાણચોરો તે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં સોનું સંતાડી લાવ્યા હતા. અહીંયા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સોમાં મોબાઇલ સહિતનો સમાવેશ થાય છે. ઉપરાંત એક બેગમાં હીરા અને વિદેશી કરન્સી લઈ આવેલા દાણચોરને પણ પકડી પડાયો છે. અમદાવાદના એસવીપીઆઇ એરપોર્ટ છેલ્લા એકાદ વર્ષમાં 100 કિલો સોનું પકડાયું હોવાના અહેવાલ મળ્યા છે. જેથી હવે એવું કહેવાશે કે અમદાવાદનું એસવીપીઆઇ એરપોર્ટ સોનાની દાણચોરીમાં તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાની દાણચોરીમાં પહેલા નંબર પર છે. અમદાવાદમાં 5 વર્ષમાં 365 કિલો સોનું પકડાયું છે.