ગુજરાતમાં એક જ દિવસમાં થયેલા આઠ અકસ્માતમાં નવના મોત થયા છે અને કુલ 11ને ઇજા થઈ છે. આમ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થમતી નથી. રવિવારે પણ અકસ્માતને રજા હોતી નથી. જાણે અગાઉના રહી ગયેલા દિવસોનું સાટું વાળતા હોય તેટલા અકસ્માત રવિવારે થયા હતા.
જામનગર-રાજકોટ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીકના જાવિયા ગામ પાસે આજે સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હતા અને એકને ઇજા થઈ હતી.
મહીસાગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં બે શ્રમજીવીના મોત થયા હતા. અજાણ્યા વાહને ટક્કર મારતા આ ઘટના બની હતી. બાલાસિનોર અમદાવાદ હાઇવે પર આ ઘટના બની હતી. ફાગવેલ દર્શન કરવા જતાં શ્રમજીવીને વાહને ટક્કર મારી હતી. વાહન ચાલકે ટક્કર મારતા મહિલા અને પુરુષનું મોત થયું હતું.
ગાંધીનગરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના બસચાલકની બેદરકારીએ આધેડનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. રક્ષા શક્તિ સર્કલથી સ્વામિનારાયણ ધામ તરફનાં રોડ ઉપર ઘટના બની હતી, જેમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરતા આધેડને અડફેટે લીધા હતા,ત્યારે સામેના રોડ ઉપર ઉભેલા પુત્રની નજર સામે આધેડનું સ્કૂલ બસની અડફેટે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું.
આ ઉપરાંત બનાસકાંથાના નેનાવા બોડર અને સાંચોર વચ્ચે અકસ્માતની ઘટના થઈ હતી. અકસ્માતમાં બેના મોત થયા હતા અને એક ઇજા પામ્યો હતો. બાઇક પર જઈ રહેલા ત્રણ લોકોને ટ્રકે અડફેટે લીધા હતા. ઘટનાસ્થળે બેના મોત થયા છે અને એક ઇજાગ્રસ્ત થયો છે.
મોરબીમાં ડમ્પરની અડફેટે એક વર્ષના માસૂમનું મોત થયું છે. બેલા ગામની સીમના કારખાનામાંઆ બનાવ બન્યો છે. લીડસન સિરામિક કારખાનામાં આ બનાવ બન્યો છે. ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. માસૂમ રમતો હતો ત્યારે તેને ડમ્પર ચાલકે હડફેટે લેતા મોત થયું હતું.