સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે. રશિયાએ કહ્યું કે તેમણે કેન્સરની વેક્સિન બનાવી છે જે તમામ નાગરિકોને મફતમાં મળશે. રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેમણે કેન્સર સામે એક વેક્સિન વિકસાવી છે જે 2025ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. રશિયન સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર, રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રી કાપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે માહિતી આપી હતી.
મોસ્કોમાં ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે અગાઉ TASSને જણાવ્યું હતું કે વેક્સિન ટ્યુમરને વધતા રોકે છે અને કેન્સરને ફેલતું અટકાવી શકે છે. દેખીતી રીતે આ વેક્સિનનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. આ વેક્સિન કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવામાં આવશે. આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે.
રશિયન નેશનલ મેડિકલ રિસર્ચ રેડિયોલોજિકલ સેન્ટર અને ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર સહિત રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાતની પુષ્ટિ કરી અને વેક્સિન કેવી રીતે કામ કરે છે તેની સ્પષ્ટતા કરી. હાલમાં તે સ્પષ્ટ નથી કે વેક્સિન કયા કેન્સરની સારવાર કરશે, તે કેટલી અસરકારક છે. તે વૈજ્ઞાનિક રીતે શક્ય છે કે કેન્સરને લક્ષ્ય બનાવવા માટે અમુક પ્રકારની વેક્સિન વિકસાવવામાં આવી શકે છે. અન્ય દેશો પણ હાલમાં સમાન વિકાસ પર કામ કરી રહ્યા છે.બાકીના વિશ્વની જેમ રશિયામાં પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. 2022માં કેન્સરના દર્દીઓના 635,000થી વધુ કેસ નોંધાયા હતા. સ્તન કેન્સર અને ફેફસાના કેન્સર રશિયામાં સૌથી સામાન્ય હોવાનું કહેવાય છે.
કેન્સરની વેક્સિન બજારમાં પહેલેથી મળે છે
વર્ષ 2023માં યુ.કે સરકારે વ્યક્તિગત કેન્સર સારવાર વિકસાવવા માટે જર્મન બાયોટેકનોલોજી કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સિવાય ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક એન્ડ કંપની હાલમાં ત્વચાના કેન્સરની વેક્સિન પર કામ કરી રહી છે. બજારમાં પહેલેથી જ એવી વેક્સિન છે જેનો હેતુ કેન્સરને રોકવાનો છે, જેમ કે માનવ પેપિલોમાવાયરસ (HPV) સામેની વેક્સિન, જે સર્વાઇકલ કેન્સરને રોકવામાં મદદ કરે છે.
ભારતમાં પુરુષો કરતાં વધુ મહિલાઓ કેન્સરથી પીડાય છે
ભારતમાં 2022માં કેન્સરના 14.13 લાખ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 7.22 લાખ મહિલાઓમાં જ્યારે 6.91 લાખ પુરુષોમાં કેન્સર જોવા મળ્યું હતું. 2022માં કેન્સરથી 9.16 લાખ દર્દીઓનાં મોત થયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો અંદાજ છે કે દેશમાં 5 વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 12%ના દરે વધારો થશે, પરંતુ સૌથી મોટો પડકાર નાની ઉંમરે કેન્સરનો ભોગ બનવું છે. નેચર જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર નાની ઉંમરમાં કેન્સર થવાનું સૌથી મોટું કારણ આપણી જીવનશૈલી છે.