દિલ્હીની ત્રણ સ્કૂલોમાં બોમ્બની ધમકી ત્યાં ભણતા બે વિદ્યાર્થીઓએ આપી હતી. તે બંને ભાઈ બહેન હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે કાઉન્સેલિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેમણે ઈ-મેલ કરીને દ્વારા ત્રણ સ્કૂલોને બોમ્બની ધમકીઓ આપી હતી. તેઓ ઇચ્છતા હતા કે પરીક્ષાઓ ટાળવામાં આવે. તેને અગાઉની ઘટનાઓ પરથી ધમકીઓ મોકલવાનો આઈડિયા આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યું કે તેમણે પરીક્ષાની તૈયારી કરી નહોતી. આવી સ્થિતિમાં તે પરીક્ષા ટાળવામાં આવે એવું ઈચ્છતા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંને વિદ્યાર્થી હતા, તેથી કાઉન્સેલિંગ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. 17 ડિસેમ્બરે રોહિણી અને પશ્ચિમ વિહાર સ્થિત 3 સ્કૂલોને બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. જેમાં 72 કલાકમાં 85 લાખ રૂપિયા મોકલવાની વાત કહેવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે જો આમ નહીં કરવામાં આવે તો બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે.
આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં દિલ્હીમાં 50 બોમ્બની ધમકીઓ આપવામાં આવી છે. આમાં માત્ર સ્કૂલો જ નહીં પરંતુ હોસ્પિટલ, એરપોર્ટ અને એરલાઇન કંપનીઓ પણ સામેલ છે. આ મહિનામાં 4 વખત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.