પંજાબ સરકારને ખનૌરી બોર્ડર પર 36 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે 3 દિવસનો સમય મળ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે તેની સુનાવણી કરી હતી. જેમાં પંજાબ સરકારે જણાવ્યું હતું કે ગઈકાલે પંજાબ બંધ હતું, જેના કારણે વાહનવ્યવહાર અટકી ગયો હતો. આ સિવાય એક મધ્યસ્થીએ પણ અરજી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો યુનિયન હસ્તક્ષેપ કરે તો ડલ્લેવાલ વાતચીત માટે તૈયાર છે. જે બાદ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની સમય માંગ કરતી અરજી સ્વીકારી લીધી હતી.
આ અવમાનના કેસની આગામી સુનાવણી હવે 2 જાન્યુઆરીએ થશે. આ પહેલા 28 ડિસેમ્બરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ પંજાબ પોલીસે ખેડૂતો અને ડલ્લેવાલને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. 29 અને 30 ડિસેમ્બરે પટિયાલા પોલીસના ઉચ્ચ અધિકારીઓને નિવૃત્ત ADGP જસકરણ સિંહ સાથે મોકલવામાં આવ્યા હતા. તેમણે ખેડૂત નેતાઓ અને ડલ્લેવાલ સાથે પણ વાત કરી પરંતુ તેઓ રાજી ન થયા. પોલીસે રવિવારે રાત્રે પણ તૈયારીઓ કરી હતી પરંતુ આ વાતની ખેડૂતોને જાણ થયા બાદ બળજબરીથી લઈ જવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.






