ગાંધીનગરમાં સરગાસણના દંપતીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ડિજિટલ અરેસ્ટ કરાયા હતા. જેમાં અઢી લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ભાવેશ નિમાવત અને યશ દંગીને પકડ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં એક આરોપી ભાવેશે મોઢું ખોલ્યું હતું કે, દુબઈની ટ્રિપ કરતો હતો, મોટાભાગની રકમ મોજશોખ અને દુબઈની મહિલાઓ પાછળ વાપરી નાખતો હતો. એટલું જ નહીં, આરોપીઓ 30 કરોડની ઠગાઈમાં સામેલ છે, જેમાં 2 ટકા કમિશન લઈ ભાવનગરના ગઢવીને રકમ મોકલી દીધી છે.
આરોપીઓએ સરગાસણના દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. તેમને વોટ્સએપ અને વીડિયો કોલ દ્વારા ડરાવી-ધમકાવીને 56 એફઆઈઆર બતાવી હતી અને પોલીસ, રાજકારણી અને બેંક કર્મચારીઓની સંડોવણી હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ 40-45 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન 30 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. માસ્ટરમાઈન્ડ ભાવેશની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઠગાઈના પૈસા મેળવ્યા બાદ તેઓ બે ટકા કમિશન રાખી બાકીની રકમ ભાવનગરના ગઢવી નામના વ્યક્તિને આંગડિયા મારફતે મોકલી આપતા હતા.
બંને આરોપી હાલ રિમાન્ડ પર
દંપતીને મની લોન્ડરિંગ નામે ડિજિટલ એરેસ્ટ કરી અઢી લાખની ઠગાઈ કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગ ગેંગના બે શખસને ઝડપી લઈ સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે સમગ્ર સ્કેમનું નેટવર્ક કરોળિયાની જાળ માફક ફેલાયેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં તો પકડાયેલા બંને આરોપીઓએ ગઢવી નામમાં ઈસમને પૈસા આંગડીયાથી મોકલી દીધા હતા. જેથી પોલીસની તપાસ ભાવનગર સુધી લંબાઈ છે.