યુક્રેને રશિયા પર 200 ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, રશિયામાં રાતોરાત મોટા પાયે ડ્રોન અને મિસાઇલ વડે યુક્રેને હુમલો કર્યો હતો. જેમાં રશિયાની ઓઈલ ફેક્ટરી, એક કેમિકલ પ્લાન્ટ અને એક ગેસ પ્લાન્ટને નુકસાન થયું હતું. ઓઈલ ફેક્ટરી નજીક યુક્રેને હુમલો કરતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થઇ ગયા હતા.
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેને રાતે અનેક ડ્રોન અને મિસાઇલો સાથે રશિયા પર હુમલો કર્યો હતો. રશિયાના પ્રદેશો પર થયેલા આ હુમલામાં બે રશિયન ફેક્ટરીઓને નુકસાન થયું હતું. દક્ષિણ રશિયન શહેરમાં શાળાઓ પણ બંધ કરવી પડી છે. રશિયાનો દાવો છે કે, તેમણે 200 થી વધુ યુક્રેનિયન ડ્રોન અને 5 યુએસ નિર્મિત ATACMS બેલિસ્ટિક ગાઈડેડ મિસાઇલોને નાશ કરી દીધી હતી. પશ્ચિમ રશિયાના બ્રાસ્ક ક્ષેત્રના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે જણાવ્યું હતું કે, યુક્રેને મોટો મિસાઇલ હુમલો કર્યો છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુક્રેનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓમાં ઓરિઓલ, સારાટોવ, વોરોનેઝ, સુમી અને તુલા સહિત 12 રશિયન પ્રદેશો તેમજ રિપબ્લિક ઓફ તાતારસ્તાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સારાટોવના ગવર્નર રોમન બુસાર્ગિને એંગલ્સ જિલ્લામાં ઔદ્યોગિક સુવિધાઓને નુકસાનની જાણ કરી હતી. આ સિવાય હુમલામાં એક ઓઈલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.