ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ બદલાયા બાદ હવે મહિલા કોંગ્રેસના પ્રમુખની વરણી કરાઇ છે. શહેરમાં કોંગ્રેસે પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંકના પૂર્વ ડાયરેક્ટર દર્શનાબેન જોશી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જૂના અને અનુભવી પ્રમુખ મળતા હવે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ પાંખ ફરીથી ચેતનવંતી બનશે.
અગાઉ સાંસદની ચૂંટણી સમયે મહિલા પ્રમુખ પદેથી પ્રિયંકાબેન ચંદાણીની હકાલપટ્ટી અને રાજીનામાના ખેલ બાદ ભાવનાબેન વોરાને પ્રમુખ બનાવ્યા પરંતુ તેઓ આઠ જ દિવસમાં ભાજપમાં ભળી જતાં મહિલા કોંગ્રેસ પાંખ પ્રમુખ વિહોણી હતી. ભાવનગરમાં કોંગ્રેસ સંગઠનના નવા સૂત્રધારો સાથે ચેતનવંતી બની છે અને પ્રજાના મહત્વના પ્રશ્નો ઉઠાવી આક્રમકતા પણ દેખાડી છે ત્યારે હવે મહિલા કોંગ્રેસ પણ જુના જોગી એવા દર્શનાબેન જોષીના નેતૃત્વમાં ફરીથી સક્રિયતાથી કામે લાગશે. આજે પ્રદેશમાં તેઓને બોલાવાયા છે. સંભવ છે કે આજે અથવા કાલે તેઓની તાજપોશી કરવામાં આવે. દર્શનાબેન દ્વારા ટૂંક સમયમાં મહિલા કોંગ્રેસની ટીમ પણ જાહેર કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે.





