આણંદ જિલ્લાના ખંભાત શહેરની સોખડા GIDC વિસ્તારમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ATSએ કરેલા દરોડામાં મળેલા 107 કરોડના અલ્પ્રાઝોલમ ડ્રગ્સ કેસમાં ATSએ તમામ આરોપીઓને ખંભાત કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટમાં ATSએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી અજય જૈને ડ્રગ્સ કેસમાં 12 વર્ષની સજા ભોગવી બહાર નીકળી ફરી ડ્રગ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આ ડ્રગ્સ આફ્રિકાથી અમેરિકા સુધી વેચાણ કરવાનો પેંતરો હતો.
ATSએ 23/1/24ના વહેલી સવારથી શરૂ કરેલું સર્ચ ઓપરેશન લગભગ 18 કલાક સુધી ચાલ્યું હતું, જેમાં કંપનીમાંથી 107 કરોડથી વધુની કિંમતનો અલ્પ્રાઝોલમ માદક પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓને ખંભાત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થયું હતું. આ કેસની વધુ તપાસ ATSની ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે.
સરકારી વકીલ બી.વી. પટેલે જણાવ્યું હતું કે, આરોપીઓને સાથે રાખી તપાસ કરવી અત્યંત જરૂરી હોય અને ડ્રગ્સ એક ઇન્ટરનેશનલ લેવલે વપરાતું સબસ્ટેન્સ છે. તેથી તેની તપાસ માટે આરોપીઓને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય જુદી-જુદી જગ્યાએ લઇ જવા માટે પોલીસ કસ્ટડીની જરૂર હોય કોર્ટે તારીખ 30/1/2025ના બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ આરોપીઓની કસ્ટડી પોલીસને સોંપેલી છે.