કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી તેમજ ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો છે. ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા, કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી એવું સુત્રોમાં ચર્ચાઈ રહ્યું હતું, હવે આ વાત પર ફૈઝલે મોહર મારી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખીને ફૈઝલે આ જાહેરાત કરી છે.
આ પોસ્ટમાં તેણે લખ્યું છે, “ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.”
અગાઉ ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યું હતું કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો છું. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. તેણે અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી. કોંગ્રેસ સાથે ફૈઝલ પટેલે છેડો ફાડ્યા બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઇ છે કે શું ફૈઝલ પટેલ ભાજપમાં જોડાશે? કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યા હતા.