ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાએ ચોથા દિવસે રંગત પકડી છે ત્રણ દિવસ પાંખી હાજરી બાદ અંતિમ બે દિવસમાં ભવનાથ તળેટી હકડેઠઠ ઉભરાઈ જવા પામી છે. અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ લોકોએ મહાશિવરાત્રીના મેળાની મોજ માણી લીધી છે. ગત રાત્રીથી માનવ મહેરામણ તળેટી તરફ પ્રયાણ કરતા ભીડ વધવા પામી રહી છે. બસ, ટ્રેન, ટ્રકો, ટ્રેકટરો, છકડો રીક્ષા, ખાનગી બસો, ટેમ્પા સહિતના વાહનો તળેટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. જોકે પ્રયાગરાજના મહાકુંભના કારણે આ વખતે સાધુઓ- નાગાબાવા સાધુઓ- ભાવિકોની હાજરી ત્યાં હોવાથી દર વખતર કરતા સંખ્યા ઓછી રહેશે તેવું વર્તાઈ રહ્યું છે.
નાગા સાધુઓ પોત પોતાના ઈસ્ટદેવના નિશાન સાથે અલખની ધૂણી ધખાવી બમ્બ બમ્બ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે રાત દિવસ શિવ આરાધના કરતા નજરે પડી રહ્યા છે. ભાવીકો નાગાબાવા સાધુઓના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે. 57 એકરના ભવનાથ ક્ષેત્રમાં મંદિરો, મઠો, આશ્રમો, ઉતારાઓમાં રાત દિવસ નામી અનામી કલાકારો ભજનની હેલીમાં સ્નાન ભાવીકોને કરાવી રહ્યા છે. ઉતારાઓ, મંદિરો, મઠોમાં માનવ કીડીયારૂ ઉભરાઈ રહ્યું છે. ભજન, ભોજન, અને ભકિતના મહાસાગરમાં લોકો સ્નાન કરી જીવથી શીવ સુધી પહોંચવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. જયાં નજર પડે ત્યાં માનવથી તળેટી ઉભરાઈ રહી છે.
પરંપરાગત રીતે આદીકાળથી ભવનાથ ક્ષેત્રમાં ભરાતા મહાશિવરાત્રીના મેળામાં જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, કચ્છ, કાઠીયાવાડ, સુરત, મુંબઈ, વડોદરા સહિતના વિવિધ ભાગોમાંથી અન્નક્ષેત્રો ચલાવવા સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વ્યકિતગત ચલાવાતા ન્નક્ષેત્રો સહિત 150થી વધુ 24 કલાક ગરમા ગરમ ભોજન પીરસી પોતાનું પુન્યનું ભાથુ બાંધવા અહીં આવે છે. ચા, પાણી, ગરમ ગાઠીયા, ભજીયા, જલેલી ઉપરાંત રોટલા, રોટલી, શાક, ખીચડી, વિવિધ મીઠાઈઓ, ભાવીકોને ભરપેટ ભોજન પ્રસાદ વિનામૂલ્યે 5 દિવસ સુધી પીરસવામાં આવી રહ્યા છે. હરીહર કરતા જાવ તેવા નાદ સાથે બાવડા પકડી પકડીને ભોજન કરાવવામાં આવતા નજરે પડે છે.