વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચાના ત્રણ દિવસ પછી, અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. આ મુજબ, અમેરિકા તરફથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવામાં આવી છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.
ઝેલેન્સ્કીને લશ્કરી સહાય બંધ કરી તેના કલાકો પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે કહ્યું- જ્યાં સુધી ઝેલેન્સ્કીને અમેરિકાનો ટેકો છે ત્યાં સુધી તેઓ શાંતિ ઇચ્છતા નથી. આ ઝેલેન્સ્કી દ્વારા આપવામાં આવેલું સૌથી ખરાબ નિવેદન છે. અમેરિકા આ સહન કરશે નહીં. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આનાથી એક અબજ ડોલર (8.7 હજાર રૂપિયા) ની હથિયાર અને દારૂગોળાની સહાય પર અસર પડી શકે છે. આ ટૂંક સમયમાં યુક્રેન પહોંચાડવાના હતા. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ CNNને જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ઝેલેન્સ્કીના ખરાબ વર્તનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો ઝેલેન્સ્કી યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરે છે તો કદાચ આ પ્રતિબંધ હટાવી શકાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તે અમેરિકા-યુક્રેન મિનરલ્સ ડીલ કરવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ લંડનમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે તે ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દલીલ પછી પણ અમેરિકા સાથે વાતચીત કરવા ઇચ્છુક છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં થયેલી ઘટનાથી અમેરિકા કે યુક્રેનને કોઈ ફાયદો નહિ થાય, પરંતુ આ ઘટનાએ માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને લાભ પહોંચાડ્યો છે. જો તેમને બોલાવવામાં આવે છે તો તેઓ વ્હાઇટ હાઉસ ફરી મળવા જશે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તેમને આશા છે કે યુક્રેનની સુરક્ષા ગેરંટીની માગ સાંભળવામાં આવે. બંને પક્ષ આ અંગે સમંતી દર્શાવે તો ડિલ થઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે યુક્રેનનો પક્ષ પણ સાંભળવામાં આવે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા ભાગીદારોએ યાદ રાખવું જોઈએ કે આ યુદ્ધમાં હુમલાખોર કોણ છે.
ઝેલેન્સ્કીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો. જેમાં તેમણે કહ્યું કે તેઓ અમેરિકાનું મહત્ત્વ સમજે છે. તેમણે કહ્યું કે એવો એકપણ દિવસ નથી કે જ્યારે તેમણે અમેરિકાનો આભાર ના માન્યો હોય. ઝેલેન્સ્કીએ ફરીથી કહ્યું કે અમે બધા જ આ વાત પર એકમત છીએ કે શાંતિ માટે સુરક્ષાની ગેરંટી જરૂરી છે. આ આખા યૂરોપની સ્થિતિ છે.