અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિના મૃતદેહ ગુરુવારે સવારે મળ્યા હતા. જ્યારે આજે શુક્રવારે સવારે ક્રિશ દવે નામના યુવકનો મૃતદેહ ફતેવાડી નજીક કેનાલમાંથી ફાયર બ્રિગેડને મળી આવ્યો છે. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા હવે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બે સગીર અને યુવક તેના અન્ય મિત્રો સાથે ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે ગયા હોવાનું અને રીલ બનાવતા સમયે જ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્કોર્પિયો પણ બે પૈકીનો એક સગીર ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. 6થી 7 સગીર અને યુવકોએ રીલ બનાવવા માટે 3500 રૂપિયાના ભાડે ચાર કલાક માટે સ્કોર્પિયો મેળવી હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી અલગ-અલગ લોકોનાં નિવેદન લીધાં છે.
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા સગીરો અને પુખ્ય વયના મિત્રો વાસણા નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવવા માટે પહોંચ્યા હતા. આ તમામ લોકો રીલ બનાવતા હતા એ સમયનો પણ વીડિયો સામે આવ્યો છે. એમાં છથી સાત લોકો અને સ્કોર્પિયો કાર જોવા મળી રહી છે. ત્યારબાદ સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. આ મામલે અમદાવાદ પોલીસને બુધવારે સાંજે સાડા છ વાગ્યે જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કોર્પિયોમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરી હતી. હાલ ત્રણ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે.