આજે વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થનાર છે. વન અને પર્યાવરણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તથા ક્લાઈમેટ ચેન્જની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે.
આ ઉપરાંત બિન સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થનાર છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ લઘુમતિ કલ્યાણ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરશે, ધારાસભ્ય હાર્દિક પટેલ રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક ગૃહમાં રજૂ કરશે, ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા આરોગ્ય અધિકાર વિધેયક ગૃહમાં રજૂ કરશે અને ધારાસભ્ય ડો.હસમુખ પટેલ ગુજરાત રાજ્યમાં કેન્સર અને ડ્રગ્સથી પીડિત લોકોને સારવાર માટે માળખાકીય ફંડ બાબતે વિધેયક ગૃહમાં રજૂ કરશે.
બિન સરકારી વિધેયકોની ચર્ચા બાદ બિન સરકારી સંકલ્પો પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ બંધારણ સંદર્ભે બિન સરકારી સંકલ્પ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી રજૂ કરશે. પીએમ વિશ્વકર્મા યોજના પર ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી બિન સરકારી સંકલ્પ રજૂ કરશે. કુપોષણ સંદર્ભે ધારાસભ્ય મનુ પટેલ બિન સરકારી સંકલ્પ ગૃહમાં રજૂ કરશે. ત્યારે બિન સરકારી સંકલ્પ પર ગૃહમાં 58 મિનિટ ચર્ચા ચાલનાર છે.