આરોગ્ય વિભાગના કર્મચારીઓની 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. ત્યારે આરોગ્યકર્મીઓની હડતાળ વચ્ચે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. ગત રોજ સરકારે યૂનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો હતો. એસ્મા લાગૂ હોવાથી સાબરકાંઠા જિલ્લા પંચાયતે આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો હતો.
આ કાર્યવાહીનું કારણ આરોગ્ય કર્મચારીઓના સંગઠનો દ્વારા ટેક્નિકલ ગ્રેડ પેની માંગણી અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવાની માંગને લઈને કરવામાં આવેલો વિરોધ છે. સંગઠનો આ માંગણીઓને લઈને અડિખમ રહ્યા છે અને પોતાની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે હાલ રસા કસી ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકારે પણ આરોગ્ય કર્મચારીઓ સામે બાંયો ચઢાવી આરોગ્ય કર્મચારીઓ સામે સરકારે આકરા એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. મળતા અહેવાલ પ્રમાણે 3 હજાર કર્મચારીઓને ચાર્જશીટ આપી દીધી છે, તો બીજી તરફ 1100 હંગામી કર્મચારીઓને છૂટા કરી દીધી છે. સરકાર સામે સંગઠનો પણ લડી લેવાના મૂડમાં છે. ટેક્નિકલ ગ્રેડ પે, ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા માંગ સાથે સંગઠનો અડીખમ છે.