સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કથીરિયા પરિવારના યુવાનની તેની પત્નીની નજર સામે કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ છે. કેનેડાના ઓન્ટોરિયામાં પત્ની સાથે સ્થાયી થયેલા યુવાન ઉપર પડોશી આધેડે હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું. દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. પત્નીને બચાવવા કરેલા પ્રતિકારમાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા તે સ્થળ ઉપર જ લોહીલુહાણ થઈ ઢળી પડયો હતો. કેનેડામાં હત્યા થયા બાદ યુવકના મૃતદેહને વતનમાં લાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા નોંધણવદર ગામના વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસિડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરિયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કરી કેનેડાના જ પીઆર લઈ તે ઓન્ટેરિયા સિટીમાં સ્થાયી થયો હતો. ધર્મેશે કેનેડામાં પોતાનો નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવીના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ પત્ની સાથે કેનેડા પહોંચેલું નવદંપતી પોતાનો સ્ટોર્સ ચલાવી રહ્યું હતું. દરમિયાન શુક્રવારે સવારે તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો. ધર્મેશ અને તેની પત્ની રવીના સવારે ઘરના વાડામાં પડોશી સાથેના સંયુક્ત વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યાં હતાં. દરમિયાન અચાનક પડોશી આધેડ તેમની તરફ ચપ્પુ લઈ ઘસી આવ્યો હતો. દંપતી કંઈ સમજે તે પહેલાં પડોશીએ ધર્મેશ ઉપર એકાએક ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. ચપ્પુનો ઘા વાગતા ધર્મેશ ઇજાગ્રસ્ત થયો હતો. આધેડ આટલેથી નહીં અટકી રવીના ઉપર પણ હુમલો કરવા આગળ વધ્યો હતો. પત્ની પર થઈ રહેલા હુમલાને જોઈ ધર્મેશ રવીનાને બચાવવા દોડ્યો હતો. હુમલાખોર પડોશીનો પ્રતિકાર કરવા જતા તેને ચપ્પુનો વધુ એક ઘા વાગ્યો હતો. આ સાથે જ તે લોહીલુહાણ થઈ સ્થળ ઉપર ફસડાઈ પડ્યો હતો. ધર્મેશને લોહીથી લથપથ જોઈ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી.
ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા વાડામાં જ ઢળી પડેલા ધર્મેશને મેડિકલ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા પત્ની રવીનાએ ભારે વલખાં મારવાં પડ્યાં હતાં. એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. કોલ કર્યાના દોઢ કલાક બાદ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી. આ પહેલાં ધર્મેશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સ્થળ પરથી જ પાડોશી આધેડની ઘરપકડ કરી લેવાઈ હતી. હાલ પોલીસ પ્રશાસન દ્વારા પાડોશી આધેડ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.