સુપ્રીમ કોર્ટ આજે વક્ફ એક્ટ વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરશે. CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ બપોરે 2 વાગ્યાથી વક્ફ બોર્ડ માટે અને વિરુદ્ધ કરાયેલી અરજીઓ પર દલીલો સાંભળશે.CJIની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ ફક્ત 10 અરજીઓ લિસ્ટ થઈ હોવા છતાં, ધાર્મિક સંસ્થાઓ, સાંસદો, રાજકીય પક્ષો અને રાજ્યો દ્વારા વક્ફ કાયદા વિરુદ્ધ 70થી વધુ અરજીઓ કરવામાં આવી છે. જો કે, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને આસામ સહિત 7 રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેમાં દલીલ કરવામાં આવી છે કે વક્ફ બોર્ડ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતા જાળવી રાખવી જોઈએ.
સંસદ દ્વારા 4 એપ્રિલે પસાર કરાયેલા વક્ફ બોર્ડ સુધારા બિલને 5 એપ્રિલે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ. સરકારે 8 એપ્રિલથી આ કાયદાને અમલમાં મૂકવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું. ત્યારથી તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થનારી 10 અરજીઓ AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, દિલ્હી AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ અરશદ મદની, ઓલ કેરળ જમીયતુલ ઉલેમા, અંજુમ કાદરી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શફી, મોહમ્મદ ફઝલુર રહીમ અને આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા દ્વારા દાખલ કરવામાં આવી છે.
70 અરજીઓ ઉપરાંત, એડવોકેટ હરિ શંકર જૈને વકફ એક્ટ 1995ને પડકારતી રિટ અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે બિન-મુસ્લિમો પ્રત્યે ભેદભાવપૂર્ણ છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કાયદાની કેટલીક જોગવાઈઓ મુસ્લિમ સમુદાયના સભ્યોને સરકારી જમીન અને હિન્દુ ધાર્મિક સંપત્તિઓ પર ગેરકાયદેસર રીતે કબજો કરવાની મંજૂરી આપે છે. એવો પણ દલીલ કરવામાં આવે છે કે વકફ કાયદાનું વર્તમાન માળખું મુસ્લિમોને અનુચિત લાભ આપે છે અને હિન્દુઓના ધાર્મિક અને મિલકતના અધિકારોને જોખમમાં મૂકે છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ કાયદા વિરુદ્ધ ‘વક્ફ બચાવો અભિયાન’ શરૂ કર્યું છે. તેનો પહેલો તબક્કો 11 એપ્રિલથી શરૂ થશે અને 7 જુલાઈ સુધી એટલે કે 87 દિવસ સુધી ચાલુ રહેશે. ઉપરાંત, વક્ફ કાયદાના વિરોધમાં 1 કરોડ સહીઓ એકત્રિત કરવામાં આવશે, જે પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે.