મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં મંગળવારે બપોરે 2.45 વાગ્યે થયેલા આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 સૈનિકો શહીદ થયા હતા. આની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.
મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને ગોળી મારતા પહેલા આતંકવાદીઓએ તેમના નામ પૂછ્યા અને તેમને કલમાનો વાંચવા કહ્યું. તેમાંથી એક યુપીનો શુભમ દ્વિવેદી હતો, જેને આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા બાદ માથામાં ગોળી મારી દીધી હતી. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.
હુમલા બાદ દેશના અન્ય શહેરોમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સવારે સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત છોડીને ભારત પરત ફર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા. તે આજે પહેલગામ જશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શાહ સાથે ફોન પર વાત કરી છે. અમેરિકા, ઈરાન, રશિયા, ઇટાલી, યુએઈ અને અન્ય દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી છે.