જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરની પોલીસ એક્શન મોડમાં છે. ગુજરાતમાંથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરોને પાછા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લાના ધારીનજીક હિમ ખીમડીપરા વિસ્તારમાં સ્થિત એક મદરેસાના મૌલાનાની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. મૌલવી મોહમદફઝલ શેખની તપાસ ATSને સોંપવામાં આવી છે.
મૌલવીના મોબાઇલ ફોનમાં ‘પાકિસ્તાન’ અને ‘અફઘાનિસ્તાન’ નામના બે વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા બાદ ATS તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ખાનગી તપાસ હાથ ધરી અને જાણવા મળ્યું કે મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ લાંબા સમયથી હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાની મુલાકાત લેતા હતા અને તેમની ગતિવિધિઓ શંકાસ્પદ હતી. મૌલવી અને સ્થાનિક વચ્ચે પણ નારાજગી જોવા મળતી હતી તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે અમરેલી SOGની ટીમે ગઈકાલે ધારીના હિમ ખીમડીપરા ખાતે આવેલી ‘મદ્રેસા-એ-દીનમ હમ્મદી’ પર દરોડો પાડી મૌલાના મોહમ્મદફઝલ શેખની પૂછપરછ કરી હતી. જેમાં, શેખ પાસેથી ઓળખ અને રહેઠાણનો પુરાવો અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા હોવાનો આપ્યો હતો. ધારીમાં મદરેસાની મુલાકાત લઈ રહ્યા છે. પુરાવા પણ આપવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે મદરેસાની પણ તપાસ કરી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહીં. જોકે, મૌલાના મોહમ્મદ ફઝલ શેખના મોબાઇલ ફોનની તપાસ કરતી વખતે “પાકિસ્તાન” અને “અફઘાનિસ્તાન” ના 2 ગ્રુપ મળી આવ્યા હતા. બાદમાં SOGની ટીમે આરોપીનો મોબાઈલ કબજે કરીને વધુની કાર્યવાહી હાથ ધરી હતી.