અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે રવિવારે મોડી રાત્રે એર
ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હીને બદલે કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન
ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન કેબિનમાં વધતી હીટના કારણે એર
ઇન્ડિયાની ફ્લાઇટને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, એર ઇન્ડિયાએ એક નિવેદનમાં
જણાવ્યું હતું કે વિમાને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે. એરલાઇનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે
મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે દિલ્હી લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 29 જૂને હનેડાથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની
ફ્લાઇટ AI357 ને કેબિનમાં સતત વધતા તાપમાનને કારણે સાવચેતી રૂપે કોલકાતા ડાયવર્ટ કરવામાં
આવી હતી. એર ઇન્ડિયાએ કહ્યું કે વિમાનની હજુ પણ તપાસ ચાલી રહી છે. તેણે કહ્યું કે કોલકાતામાં
તેની ગ્રાઉન્ડ ટીમો આ અચાનક ડાયવર્ઝનના કારણે થતી અસુવિધાને ઓછી કરવા માટે મુસાફરોને
તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે.
જ્યારે બીજા કિસ્સામાં ફ્લાઇટના કેબિનમાં કશુંક સળગવાની ગંધ આવી હતી જેના પગલે મુંબઈથી
ચેન્નાઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને પરત ફરવું પડ્યું. આ ઘટના 27 જૂનના રોજ ફ્લાઇટ AI639 માં
બની હતી. આ વિમાન સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતર્યું હતું અને મુસાફરોને બીજા વિમાનમાં ખસેડવામાં
આવ્યા હતા. આ અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું.