ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ અમેરિકાની કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેની રૂ. 4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. 3 જુલાઈના રોજ એક વચગાળાનો આદેશ આપતાં જેન સ્ટ્રીટ ગ્રૂપ અને તેની પેટા કંપનીઓ – JSI ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ., JSI2 ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ., જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા.લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિ. પર સ્ટોક માર્કેટ ગતિવિધિઓ કરવા પર રોક મૂકી છે.
સેબીએ જણાવ્યું હતું કે, ઇકોસિસ્ટમમાં એકંદર વિશ્વાસ જાળવવા અને રોકાણકારોનું રક્ષણ કરવા માટે આ મહત્વપૂર્ણ છે. સેબીના વચગાળાના આદેશ અનુસાર, આ સંસ્થાઓ પર ઇક્વિટીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદી, વેચાણ અથવા અન્ય કોઈપણ વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે. વચગાળાના આ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, જેએસ ગ્રૂપની સંસ્થાઓ દ્વારા કથિત રૂપે ગેરરીતિ આચરી કરવામાં આવેલી રૂ. 4843 કરોડની કમાણીને જપ્ત કરવામાં આવશે. આ રકમ જમા કરવા માટે ભારતની કોમર્શિયલ બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલવા નિર્દેશ આપ્યો છે. સેબીની મંજૂરી વિના આ એકાઉન્ટમાંથી રકમ ઉપાડી શકાશે નહીં.