રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા
કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે
બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ
સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો
હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.
ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા
૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ
હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ
પણ મેળવી હતી. કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે
સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે.
હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં
બુમરાહનું પુનરાગમન થવાનું છે.