હિમાચલ પ્રદેશના જૂન માસથી શરૂ થયેલા વરસાદ અને વરસાદ સંબંધિત ઘટનાઓએ તબાહી મચાવી
છે. જેમાં હિમાચલ પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી
અનુસાર, હવામાન સંબંધિત ઘટનાઓને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે.
આમાંથી 50 લોકોના મોત વરસાદ સાથે સંબંધિત છે. ચોમાસાને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના
કારણે હિમાચલ પ્રદેશમાં જનજીવનને વ્યાપક અસર જોવા મળી રહી છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં થયેલા વિનાશ અંગે ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું કે, મંડી ખૂબ જ
મુશ્કેલીમાં છે, વાદળો ફાટી રહ્યા છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. સંપર્ક તૂટી ગયો છે. સિરાજ,
થુનાગના વિસ્તારોમાં સંપર્ક તૂટી ગયો છે પરંતુ વહીવટીતંત્ર નજીકથી નજર રાખી રહ્યું છે. જયારે
અસરગ્રસ્ત લોકો માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અમારી ટીમ દરેક જગ્યાએ પહોંચી ગઈ છે.
સિરાજ, કારસોગમાં નુકસાન થયું છે અને નાચનના કેટલાક વિસ્તારોમાં પણ નુકસાન થયું છે. અમે આ
વિસ્તારોની મુલાકાત લઈશું.
હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવા વગેરેને કારણે જાહેર પરિવહનને પણ ઘણું નુકસાન
થયું છે. જ્યારે રાજ્યમાં સેંકડો રસ્તાઓ બંધ છે. લોકોને પાણીના સ્ત્રોતો અને સંવેદનશીલ વિસ્તારોથી દૂર
રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનની 10 ઘટનાઓમાં મંડીમાં
સૌથી વધુ વિનાશ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી
આવ્યા છે. જ્યારે 31 ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. જ્યારે લોકોને શોધવા માટે શ્વાન અને
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.