ચોમાસાની સિઝન સાથે જ ગુજરાતભરની સાથે અમદાવાદમાં રસ્તામાં ખાડા પડવાની સિઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. અમદાવાદમાં હાલ એવી સ્થિતિ છે કે રોડમાં ખાડો છે કે ખાડા વચ્ચે ક્યાંક-ક્યાંક રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. હાલમાં વાયરલ ફીવર-મચ્છરજન્ય બીમારીના ડોક્ટરની સાથે ઓર્થોપેડિક ડોક્ટર-ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં પણ લાંબી લાઈન જોવા મળે છે. આ એવા દર્દીઓ છે જેઓ ખાડાવાળા રસ્તામાં વાહન ચલાવવાને વાંકે કમર દર્દ, સ્પોન્ડિલાઇસિસની સમસ્યાનો શિકાર બન્યા છે.એનસીઆરબીના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ખાડાને લીધે 400 વ્યક્તિના મૃત્યુ થયા છે.
ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા અવશ્ય જોવા મળતા હોય છે. આ વખતે પણ ચોમાસાની સાથે જ ખાડા-ભૂવાની સમસ્યામાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં પાણી ભરવા અને ખાડા પડે નહીં ત્યાં સુધી ચોમાસું આવ્યું છે તેવું હવે લાગતું પણ નથી.અમદાવાદની અસારવા અને સોલા સિવિલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલના આર્થોપેડિક વિભાગમાં દરરોજના આવતાં 100માંથી સરેરાશ 60 દદી બેક પેઈનની સમસ્યા ધરાવનારા હોય છે. અમદાવાદ સ્માર્ટસિટી છે, પરંતુ ચોમાસામાં જે રીતે રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખુલેલી જોવા મળી છે. એનસીઆરબીના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ખાડાને લીધે 400 વ્યક્તિના મૃત્યુ થયા છે.