વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે વલસાડ કલેક્ટરે મોટો નિર્ણય લેતાં કહ્યું છે કે ખાડાને કારણે કોઈ મુસાફર જીવ ગુમાવે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ નોંધાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ કલેક્ટરે આદેશ કરતાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર રસ્તાઓને ભયંકર નુકશાન થયું છે, રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા, અકસ્માતો, ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો બન્યા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના સબંધિત કચેરીને ટેલિફોનિક, મેસેજથી અવારનવાર જાણ કરી છે.વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 ઉપર પડેલા ખાડાને કારણે થતા અકસ્માતો તથા મુસાફરોને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાકટર જો રોડ યોગ્ય રીતે સમયમર્યાદામાં રીપેર નહિ કરે તો અને તેને કારણે અકસ્માતથી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ-106 મુજબ ગુનાહિત બેદરકારીના કારણે માનવ મૃત્યુની ફરીયાદ અને જાહેર જનતાને મુસાફરીમાં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ ફરીયાદ દાખલ કરવા હુકમ કર્યો છે.