એલન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ 15 જુલાઈ, મંગળવારના રોજ ભારતમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ પોતાનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં મેકર મેક્સિટી મોલમાં ખોલ્યો છે. આ ઉપરાંત, કંપનીએ ભારતમાં તેની ઇલેક્ટ્રિક SUV મોડેલ Y લોન્ચ કરી છે. ભારતમાં ટેસ્લા મોડેલ Y ની શરૂઆતની કિંમત ₹60 લાખ (લગભગ $ 70,000) રાખવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પણ શોરૂમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું. શોરૂમમાં સફેદ દિવાલ પર કાળા રંગમાં ટેસ્લાનો લોગો એમ્બોસ્ડ જોવા મળ્યો. કાચની પેનલ પાછળ આંશિક રીતે ઢંકાયેલી Model Y કારે ત્યાં હાજર લોકોને આકર્ષિત કર્યા. ટેસ્લા હાલમાં ભારતમાં Model Y ના બે વેરિયન્ટ્સ ઓફર કરે છે – રીઅર-વ્હીલ ડ્રાઇવ વેરિયન્ટની કિંમત રૂ. 60.1 લાખ ($70,000) અને લોંગ-રેન્જ વેરિયન્ટની કિંમત રૂ. 67.8 લાખ ($79,000) છે.