વિમાનમાં ખામી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના પ્લેન
ક્રેશની ઘટના બાદ આવા સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોના
વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હોવું પ્રકાશમાં આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે
વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું. જેના કારણે વિમાનને મુંબઈ તરફ લઈ જઈને ઈમરજન્સી
લેન્ડિંગ કરાવ્યું હતું. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, એક એન્જિન ફેલ થયું તે બાદ 17 મિનિટ
સુધી વિમાન આકાશમાં ઉડતું રહ્યું હતું. બાદમાં તેનું મુંબઈ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન વિમાનમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.
દિલ્હીથી ઈન્ડિગોની ફ્લાઈટ ગોવા જવા માટે રાત્રે 8 વાગે ટેક ઓફ કર્યું હતું. વિમાને અડધો કલાક લેટ
ટેક ઓફ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. દિલ્હીથી ગોવા જઈ રહેલા વિમાનને રાત્રે 10 વાગ્યાની
આસપાસ મુંબઈ તરફ વાળી દેવામાં આવ્યું હતું. વિમાન અચાનક મુંબઈ તરફ વાળી દેતા મુસાફરો
ગભરાઈ ગચા હતા. જો કે, મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગોના
વિમાનનું સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવતા
મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઇન્ડિગો વિમાનનું એક એન્જિન અચાનક ફેલ થઈ ગયું હોવાથી પાયલોટે મુંબઈમાં વિમાનનું ઇમરજન્સી
લેન્ડિંગ કરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે, 12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછી
વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના કિસ્સાઓ વધી રહ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં ભારતમાં વિમાનના
એન્જિનમાં ખામીના 65 કેસ નોંધાયા હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે
કરવામાં આવેલા ઇમરજન્સી લેન્ડિંગમાં અત્યારે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યાં નથી.