થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ દરરોજ વધુને વધુ ખતરનાક બની રહ્યો છે. આ
લડાઈમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું
કહેવાય છે. કંબોડિયામાં 15 લોકો અને થાઈલેન્ડમાં 12 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે. બંને
દેશોની લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેના પણ સામેલ છે. આ સંઘર્ષ વચ્ચે થાઈલેન્ડ
બોર્ડર પર તણાવ સતત વધી રહ્યો છે.
ભીષણ સંઘર્ષની વચ્ચે કંબોડિયાએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પછી તાત્કાલિક અને
બિનશરતી સીઝફાયરની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં કંબોડિયાના રાજદૂત ચેયા કિયોએ મીડિયા સાથે
વાત કરતા જણાવ્યું કે, ‘કંબોડિયાએ તાત્કાલિક બિનશરતી યુદ્ધવિરામની વિનંતી કરી છે, અને અમે
વિવાદના શાંતિપૂર્ણ નિરાકરણ માટે પણ હાકલ કરીએ છીએ. થાઈલેન્ડે આ વિવાદને ઉકેલવા માટે કોઈ
ત્રીજા પક્ષની મધ્યસ્થીને સ્પષ્ટપણે નકારી કાઢી છે અને તેના બદલે દ્વિપક્ષીય વાતચીત પર ભાર મૂક્યો
છે. મીડિયા સાથે વાત કરતા બે થાઈ અધિકારીઓએ જણાવ્યું કે, ‘થાઈલેન્ડ કંબોડિયા સાથેના તેના સૈન્ય
સંઘર્ષને ઉકેલવા માટે મધ્યસ્થીને બદલે સીધી વાતચીતને પ્રાથમિકતા આપે છે.