વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો પર પ્રકાશ
પાડતા કહ્યું કે, ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને સૌથી વિશ્વસનીય મિત્ર છે. તેમણે કહ્યું કે
ભારતની “પડોશી પ્રથમ” નીતિ અને “સમુદ્ર” દ્રષ્ટિકોણમાં માલદીવનું વિશેષ સ્થાન છે.
આ વર્ષ ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા સંબંધો
માત્ર 60 વર્ષ જૂના નથી, પરંતુ ઇતિહાસના ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આ પ્રસંગે, બંને દેશોની
પરંપરાગત બોટ પર આધારિત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી, જે આ સાંસ્કૃતિક અને
ઐતિહાસિક ભાગીદારીનું પ્રતીક છે. ભારત સરકારે માલદીવ્સને 4,850 કરોડ રૂપિયાની નવી લોન સહાય
આપી છે. આ પગલું ભારત અને માલદીવ્સ વચ્ચેનો સંબંધને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનું છે.
આ નાણાકીય સહાય હેઠળ, માલદીવને વિકાસ પ્રોજેક્ટ્સ માટે જરૂરી નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં
આવશે, જે માલદીવની આર્થિક સ્થિરતા અને વિકાસ દરમાં સુધારો કરશે.
આ સાથે, ભારત અને માલદીવ વચ્ચે મુક્ત વેપાર કરાર (IMFTA) પર પણ વાતચીત શરૂ થઈ ગઈ
છે. આ કરાર બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપશે. IMFTA દ્વારા, માલદીવના ઘણા
ઉત્પાદનોને ભારતીય બજારમાં પ્રવેશ મળશે, જ્યારે ભારતીય ઉત્પાદનો માલદીવમાં વધુ સ્પર્ધાત્મક
બનશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ કહ્યું, ‘ભારત અને માલદીવ વચ્ચે મુક્ત વેપાર કરાર પર
વાટાઘાટો શરૂ થવાની જાહેરાત કરતા મને આનંદ થઈ રહ્યો છે. આ ઐતિહાસિક પહેલ આપણી આર્થિક
ભાગીદારીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.