મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જ
પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોની ઓળખ
મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે.
અહેવાલો અનુસાર, આ ઘટના શુક્રવારે (25મી જુલાઈ) પ્રકાશમાં આવી જ્યારે ઘરમાંથી ચારેયના મૃતદેહ
મળી આવ્યા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેના કારણે કેસ વધુ ગંભીર વળાંક
લઈ ગયો હતો. સુસાઈડ નોટમાં મિલકતના વિભાજનનો ઉલ્લેખ હતો. તેમાં લખ્યું હતું કે, ‘મિલકત ત્રણ
ભાઈઓમાં વહેંચી દેવી જોઈએ અને પત્ની દ્રૌપદીને કંઈ આપવું જોઈએ નહીં.’ આ સમગ્ર કેસમાં સૌથી
ચોંકાવનારી વાત એ હતી કે આપઘાત સમયે મનોહરની પત્ની દ્રૌપદી લોધી ઘરે નહોતી, તે ત્રણ દિવસ
પહેલા તેના મામાના ઘરે ગઈ હતી.
મૃતકની પત્ની દ્રૌપદીએ આરોપ લગાવ્યો કે, ‘મારો દેર સુરેન્દ્ર છેલ્લા બે વર્ષથી મને માનસિક અને
શારીરિક રીતે ત્રાસ આપી રહ્યો હતો. તે બળજબરીથી મારી પાસે આવતો હતો અને જો તે મોં ખોલશે તો
આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. હું આ ડરમાં જીવી રહી હતી અને આ માનસિક
દબાણનું પરિણામ એ આવ્યું છે કે આજે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો છે.’પોલીસે દ્રૌપદીના
નિવેદનને ગંભીરતાથી લીધું છે અને કેસની તપાસ શરૂ કરી છે. જો કે, મનોહરે આ પગલું કેમ ભર્યું તે
હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ સુસાઇડ નોટમાં તેની પત્નીને મિલકતથી વંચિત રાખવાનો ઉલ્લેખ
અને દ્રૌપદીના સનસનાટીભર્યા આરોપો આ કેસને વધુ ઊંડો અને શંકાસ્પદ બનાવી રહ્યા છે. પોલીસ હવે
તમામ પાસાઓની તપાસ કરી રહી છે.