ભારતીય નૌકાદળ 26 ઓગસ્ટના રોજ એક ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ દિવસે બે
અદ્યતન યુદ્ધ જહાજો, ઉદયગિરિ (એફ 35) અને હિમગિરિ (એફ 34), વિશાખાપટ્ટનમ ખાતે નૌકાદળમાં
સામેલ થશે.આ પ્રથમ વખત છે જ્યારે બે અગ્રણી ભારતીય શિપયાર્ડ દ્વારા બનાવેલા યુદ્ધ જહાજો
એકસાથે નૌકાદળમાં જોડાશે. આ ઘટના રક્ષા ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’
સફળતાને દર્શાવે છે.
ઉદયગિરિ, જે પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટનો બીજું જહાજ છે, તેનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડોક
શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ હિમગિરિ, જે પ્રોજેક્ટ 17Aનો પ્રથમ
જહાજ છે, તેનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરાયું
છે.
ખાસ વાત એ છે કે ઉદયગિરિ નૌકાદળના યુદ્ધ જહાજની ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું 100મું
જહાજ છે, જે ભારતની ડિઝાઇન ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
આ બંને જહાજ, ઉદયગિરિ અને હિમગિરિ લગભગ 6,700 ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે અને તે
શિવાલિક-શ્રેણીના યુદ્ધ જહાજો કરતા લગભગ પાંચ ટકા મોટા છે. આ જહાજોની ડિઝાઇન વધુ સુડોળ છે
અને તેમનું રડાર ક્રોસ-સેક્શન ઓછું છે, જે તેમને દુશ્મનના રડારથી બચવામાં મદદ કરે છે.