કાશ્મીરમાં શ્રીનગરના જગવિખ્યાત દલ લેકમાં 21થી 23મી ઑગસ્ટ (ગુરુવારથી શનિવાર) સુધી
યોજાનારા ખેલો ઇન્ડિયા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, 2025ના ઉદ્ઘાટન સાથે જ આ સુંદર સરોવર ઍથ્લેટિક્સ,
સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એક્તાના મંચમાં ફેરવાઈ જશે. યુવા બાબતો તથા ખેલકૂદ મંત્રાલય અને ભારતીય
ખેલના સત્તાધીશોના સહયોગથી જમ્મુ-કાશ્મીર ખેલ પરિષદના ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવ પાછળનો
ઉદ્દેશ જળ-આધારિત સ્પર્ધાઓને પ્રોત્સાહન આપવાનો, કાશ્મીરની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન
કરવાનો અને ખેલના માધ્યમથી યુવા વર્ગને પ્રેરિત કરવાનો છે.
દલ લેકમાં પહેલી જ વાર ખેલો ઇન્ડિયા વૉટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. કાશ્મીરના
સુંદર અને અદ્ભુત દલ લેકમાં પહેલી જ વાર રાષ્ટ્રીય રમતો યોજવામાં આવી રહી છે જેમાં 36 રાજ્યો
તથા કેન્દ્ર-શાસિત પ્રદેશોના 400થી વધુ ઍથ્લીટો-ખેલાડીઓ વૉટર સ્કીઇંગ, ડ્રેગન બોટ રેસ તથા અન્ય
મનોરંજક પ્રદર્શન અને કાર્યક્રમો યોજાશે. આ સ્પર્ધામાં ખાસ કરીને પ્રતિસ્પર્ધીઓ રોવિંગ, કૅનોઇંગ અને
કાયાકિંગની હરીફાઈઓમાં ભાગ લેવા દલ લેક ખાતે ઊમટી પડશે.
આ રમતોત્સવના આયોજન પાછળ 2.37 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે અને એ જોવા
માટે અસંખ્ય લોકો આવશે એવી ધારણા છે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનૅશનલ ક્નવેન્શન સેન્ટર આયોજન
સંબંધિત કેન્દ્ર બનશે. દલ લેક આ ત્રણ દિવસ દરમ્યાન રેસિંગ લેન, તરતા મંચ અને ઝગમગાટ મારતા
સાંસ્કૃતિક સ્થાનોમાં પરિવર્તિત થશે.






