ભાવનગર: નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધો બાદ જેંન-જીનો સરકાર સામે શરૂ થયેલો આકરો વિરોધ એટલો ઉગ્ર બની ગયો કે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના રાજીનામા પડી ગયા હતા. જો કે આ તણાવભરી પરિસ્થિતિમાં ભાવનગરના 43 લોકોનું એક ગ્રૂપ ત્યાં ફસાયું હોવાના અહેવાલ છે. આ તમામ યાત્રાળુઓ પોખરામાં એક ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. જોકે, નેપાળમાં ચાલી રહેલા આંદોલનને કારણે ચારે તરફ અફરાતફરીનો માહોલ છે. આ તમામ યાત્રાળુઓએ એક વીડિયો સંદેશો મોકલીને સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને મદદ માટે અપીલ કરી હતી.
મળતી વિગતો અનુસાર નેપાળની તણાવભરેલી પરિસ્થિતિની વચ્ચે ગુજરાતથી ફરવા માટે ગયેલા અનેક પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે. ભાવનગરથી 43 લોકોનું એક ગ્રુપ નેપાળ ફરવા માટે ગયું હતું અને બાદમાં નેપાળમાં શરૂ થયેલા આંદોલનને કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા. હવે લોકોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. ફસાયેલા લોકોના પરિવારે સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક સાધતા તંત્રએ તમામને સુરક્ષિત પાછા લાવવાની ખાતરી આપી હતી. તંત્રએ જણાવ્યું છે કે આ તમામ લોકો સુરક્ષિત છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.નેપાળના પોખરામાં એક ગેસ્ટ હાઉસમાં ફસાયેલા યાત્રાળુઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાલ તેઓ ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે પરંતુ આંદોલનની પરિસ્થિતિને કારણે તેઓ બહાર નીકળી શકે તેમ નથી. તેમણે વહેલી તકે ભારત પાછા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. નેપાળના પોખરા શહેરમાં ફસાયેલા ભાવનગરના 43 યાત્રાળુઓ વિશે સ્થાનિક વહીવટી તંત્રએ માહિતી આપી છે. તંત્રના જણાવ્યા અનુસાર, વાવાઝોડાને કારણે તેઓ હાલ ત્યાં ફસાયા છે, પરંતુ તેઓ પોખરામાં એક ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. ભારત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓની માહિતી સ્થાનિક કોર્પોરેટરને મળતા તેમણે વીડિયો કોલના માધ્યમથી તમામ ફસાયેલ પ્રવસીઓના ખબર અંતર પૂછ્યા હતા. કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ દ્વારા તુરંત સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીને જાણ કરી હતી અને ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ફસાયેલ તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવાયુ હતું. નેપાળમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓના વિષય પર રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે રાજ્યના અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આવાં આવ્યા છે. તે ઉપરાંત નેપાળમાં સ્થિત ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના +977 – 980 860 2881 તેમજ +977 – 981 032 6134 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.