એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે બુધવારના રોજ યજમાન સંયુક્ત આરબ અમીરાત સામે પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચ વિશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટીમ મેનેજમેન્ટ કયા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક આપશે અને કોને બહાર બેસવું પડશે. જોકે, ટીમ મેનેજમેન્ટનું મુખ્ય ધ્યાન ઓલરાઉન્ડરોની મદદથી સંતુલન જાળવવા પર રહેશે. ભારતીય ટીમ ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે. ભારતીય સમય મુજબ બુધવારે રાત્રે 8 વાગ્યે મેચ શરૂ થશે, જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સાંજે 7.30 વાગ્યે થશે.
ભારતીય ટીમ હજુ સુધી અંતિમ નિર્ણય લઈ શકી નથી કે તે UAE સામેની શરૂઆતની મેચમાં ટીમમાં ત્રીજો સ્પિનર કે નિષ્ણાત ફાસ્ટ બોલરનો સમાવેશ કરશે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ભારતે લગભગ દરેક ફોર્મેટમાં ઓલરાઉન્ડરોને મહત્વ આપ્યું છે. આ રણનીતિનો ઉદ્દેશ્ય બેટિંગમાં ઊંડાણ આપવાનો છે જેથી ટીમ પાસે આઠમા નંબર સુધી વિશ્વસનીય બેટ્સમેન હોય.ભારતીય ટીમની આ પહેલી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા પ્રેક્ટિસ જેવો સાબિત થઈ શકે છે. અમીરાત ટીમ કાગળ પર નબળી માનવામાં આવે છે, તેથી આ મેચ ભારતીય ટીમ મેનેજમેન્ટને આગામી મેચો માટે કયું સંયોજન શ્રેષ્ઠ રહેશે તે ચકાસવાની તક આપશે.