નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલ વચ્ચે, રામેછાપમાં કેદીઓએ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસને રોકવા માટે સેનાએ ગોળીબાર કર્યો. જેના પરિણામે, બે કેદીઓનાં મોત થયા અને અન્ય 10 કેદીઓને ગોળી વાગી. નેપાળમાં સેનાનું નિયંત્રણ થયા બાદ ગોળીબારની આ પ્રથમ ઘટના છે.પહેલાં કાઠમંડુ જેલમાંથી ભાગી ગયેલા એક બાંગ્લાદેશી નાગરિકને SSB દ્વારા પકડવામાં આવ્યો. તે સોનાની તસ્કરીના આરોપસર પાંચ વર્ષથી નેપાળની જેલમાં હતો.
આ ધરપકડ SSBની 47મી બટાલિયન દ્વારા બિહાર-નેપાળ સરહદ પર કરવામાં આવી. કમાન્ડન્ટ સંજય પાંડેએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી નેપાળમાં બદલાયેલી પરિસ્થિતિને કારણે સરહદ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન, બુધવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જેનું નામ મોહમ્મદ અબુલ હસન ઢાલી છે. ઢાલીએ કબૂલ્યું કે તે નેપાળમાં થયેલા જેલ બ્રેકનો લાભ લઈને ભાગી આવ્યો છે. તે છેલ્લા પાંચ વર્ષથી કાઠમંડુની જેલમાં કેદ હતો અને ત્યાંથી ભાગીને રક્સૌલ પહોંચ્યો.