હુંડિયામણ બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી વધી ઉંચામાં રૂ.88.46ની રેકોર્ડ સપાટીએ પહોંંચી
ગયા હતા. સામે રૂપિયો ગબડી નવા નીચા તળીયે પટકાયો હતો. રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી
વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા મોંઘવારી વધુ વકરશે એવી ભીતી બજારના જાણકારો
બતાવી રહ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.88.11 વાળા સવારે રૂ.88.12ખુલ્યા પછી ભાવ ઝડપી
વધી ઉંચામાં રૂ.88.46ની નવી ટોચે પહોંચી ગયા હતા અને ત્યારબાદ ભાવ રૂ.88.42ના મથાળે બંધ રહ્યા
હતા.
રૂપિયા સામે ડોલરના ભાવ વધુ 31 પૈસા વધતાં ડોલર સામે રૂપિયો વધુ 0.35 ટકા તૂટી ગયો હોવાનું
બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે મુંબઈ શેરબજારમાં તેજી આગળ વધી હતી તથા વિશ્વબજારમાં
ક્રૂડતેલના ભાવમાં ઉંચેથી પીછેહટ દેખાઈ હતી છતાં કરન્સી બજારમાં રૂપિયો સતત તૂટતાં બજારના
જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલી આકરી ટેરીફના પગલે
રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ડોલર સામે એશિયાના વિવિધ દેશોની
કરન્સીઓ તાજેતરમાં ઘટી છે પરંતુ રૂપિયામાં નોંધાયેલો ઝડપી ઘટાડો આ કરન્સીઓમાં સૌથી વધુ
બતાવાઈ રહ્યો હતો. આ પૂર્વે તાજેતરમાં રૂપિયો તૂટી રૂ.88.38 સુધી ઉતર્યો હતો અને આજે રૂપિયો વધુ
તૂટતાં નીચામાં રૂ.88.46નું નવું તળીયું દેખાતાં બજારમાં ખાસ્સી ચકચાર જાગી હતી.