હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે.સોમવારે મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાને કારણે બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વરસાદ હવે માત્ર હવામાનનો ફેરફાર નહીં, પરંતુ લોકો માટે એક મોટી મુસીબત બની ગયો છે, જેના કારણે ચારેબાજુ પાણી, કાટમાળ અને વિનાશ જોવા મળી રહ્યો છે.
ગઈ રાત્રે ધરમપુરમાં ભારે વરસાદથી આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું, જેમાં બસો અને અન્ય વાહનો તણાઈ ગયા. સોન ખડનું જળસ્તર વધતા લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું. આ ઘટનામાં એક વ્યક્તિ ગુમ છે. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોએ રાત્રે ઘરની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો અને પોલીસે તત્કાળ બચાવ કામગીરી શરૂ કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું, જેના કારણે 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 493 રસ્તાઓ બંધ રહ્યા..હવામાન વિભાગ મુજબ, કાંગડા, જોત, સુંદરનગર અને પાલમપુરમાં ગાજવીજ સાથે વરસાદ થયો, જ્યારે રિકાંગપિયો અને સેઓબાગમાં તેજ પવન ફૂંકાયો. રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર (SEOC) અનુસાર, આ ઘટનાને કારણે 493 રસ્તાઓ, જેમાં ત્રણ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે, વાહનવ્યવહાર માટે બંધ રહ્યા.
દહેરાદુન: સહસ્ત્રધારના કાર્લીગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 7-8 દુકાનો ધરાશાયી
વાદળ ફાટવાથી 2-3 મોટી હોટલોને નુકસાન, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યૂ કરાયું
ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાથી અમુક દુકાનો વહી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, બે લોકો ગુમ જણાવવામાં આવી રહ્યા છે. અહીં સતત રેસ્ક્યુ અને બચાવ કામગીરી શરૂ છે. તંત્ર મોડી રાતથી અહીં લોકોની મદદ માટે પહોંચી ગયું છે.
ઉત્તરાખંડને ફરી એકવાર કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે. સહસ્ત્રધારના કાર્લીગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી લોકો ગભરાઈ ગયા હતા. વાદળ ફાટવાથી 2-3 મોટી હોટલોને નુકસાન થયું છે, જ્યારે બજારમાં બનેલી 7-8 દુકાનો ધરાશાયી થઈ ગઈ છે.
લગભગ 100 જેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા હતા જેમને ગ્રામજનોએ જાતે જ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વાદળ ફાટવાની જગ્યાની નજીક રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. SDRF, NDRF, જાહેર બાંધકામ વિભાગે રાત્રે જ કામ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.