અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેનાએ વેનેઝુએલા પાસે દરિયામાં ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી શીપ પર મોટો હુમલો કર્યો છે. અમેરિકાનો દાવો છે કે આ શીપમાં ડ્રગ્સ ભરીને અમેરિકા લાવવામાં આવી રહ્યું હતું. હુમલા બાદ ટ્રમ્પે જાણકારી આપતા કહ્યું કે આ કાર્યવાહીમાં ત્રણ લોકો માર્યા ગયા છે. અમેરિકા તરફથી વેનેઝુએલા પર છેલ્લા એક મહિનામાં આ બીજો મોટો હુમલો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 28 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. જેમાં એક જહાજ પર વિસ્ફોટ અને આગ લાગી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જોકે આ વીડિયો સાબિત નથી થતું કે જહાજ પર ડ્રગ્સ જ લઈ જવામાં આવતું હતું. ટ્રમ્પે કહ્યું છે કે ડ્રગ્સ નેટવર્ક અને નાર્કો ટેરરિસ્ટ પર કાર્યવાહીના રૂપે આ હુમલો કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે હજુ સુધી વેનેઝુએલા દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ વેનેઝુએલા પાસે સૈન્ય ગતિવિધિ વધારી છે. ટ્રમ્પે ડ્રગ્સ કાર્ટેલ રોકવા માટે 10 ફાઈટર જેટ તૈનાત કરવા આદેશ આપ્યા છે. આ સિવાય 7 યુદ્ધ જહાજ અને એક ન્યુક્લિયર સબમરીન પણ તૈનાત કરી છે.