ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે બુધવારે સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાબરમતી નદીના કાંઠે આવેલા GEB, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના 700થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જોકે, તંત્રની આ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નાગરિકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, પ્લાન્ડ સિટી ગાંધીનગરને ‘અન-પ્લાન્ડ’ બનાવનાર મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે.ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.
1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો હેતુ: એસપી
આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, આજ સવારે 4 વાગ્યાથી આરએન્ડબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયા છે તે દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમો કોર્પોરેશન તરફથી અને આરએન્ડબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. આ કાર્યવાહીનો હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે. આ જમીનની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી ચાલુ છે અને આ દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.