ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના આક્ષેપો કરી ‘એટમ બોમ્બ’ ફોડનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે
સીધા જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર દેશમાં લોકતંત્રનો નાશ કરનારા અને ‘વોટ ચોરો’ને
છાવરવાનો આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ ગુરુવારે કર્ણાટકની આલંદ વિધાનસભા ક્ષેત્રનો ડેટા દર્શાવતા
સોફ્ટવેરની મદદથી પદ્ધતિસર કોંગ્રેસ મતદારોના વોટ મતદાર યાદીમાંથી ડિલીટ કરાઈ રહ્યા હોવાનો
આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ હાઈડ્રોજન બોમ્બ નથી, તે તો હજુ બાકી છે.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, તેમની પાસેના પુરાવા જાહેર થયા પછી વડાપ્રધાન મોદી દેશને મોં
બતાવી શકશે નહીં. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે નવી દિલ્હીમાં ઈન્દિરા ભવનમાં
એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર વોટ ચોરોને
બચાવવાનો આક્ષેપ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મતદારોના નામ ડિલીટ થવાના કેસની તપાસમાં
કર્ણાટક સીઆઈડી દ્વારા માગવામાં આવેલી માહિતી એક સપ્તાહમાં પૂરી પાડવામાં આવે. જો તેમ નહીં
થાય તો સ્પષ્ટ થઈ જસે કે ચૂંટણી પંચ દ્વારા ‘બંધારણની હત્યા કરવામાં આવી રહી છે.’
બીજીબાજુ ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. પંચે કહ્યું કે, રાહુલના આક્ષેપ
આધારહિન અને ખોટા છે. વોટ ક્યારેય ઓનલાઈન ડિલીટ થઈ શકે નહીં. વધુમાં રાહુલ ગાંધી સમજે છે
તે રીતે સામાન્ય માણસ આવું કરી શકે નહીં. ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે, વોટ ડિલીટ કરતા પહેલાં
અસરગ્રસ્ત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક અપાય છે. ૨૦૨૩માં આલંદમાં વોટ ડિલીટ કરવાનો
નિષ્ફળ પ્રયત્ન થયો હતો. આ મામલે ચૂંટણી પંચે જ એફઆઈઆર નોંધાવી હતી. ચૂંટણી પંચના રેકોર્ડ
મુજબ આલંદ વિધાનસભા બેઠક ૨૦૧૮માં ભાજપ અને ૨૦૨૩માં કોગ્રેસે જીતી હતી.