એક સમયે દિલ્હીના તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ફ્રી સ્ક્રીમ્સને મફતની રેવડી કહેનારી ભાજપ હવે બિહારમાં ચૂંટણી પહેલા લહાણી કરવા જઈ રહી છે. ચૂંટણી સમયે મહિલા મતદારો હંમેશાં નેતાઓ-રાજકીય પક્ષોના કેન્દ્ર સ્થાને હોય છે અને તેમને નાની-મોટી રકમ કે વસ્તુઓ આપી નેતાઓ મત મેળવતા હોય છે ત્યારે ભાજપે પણ બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોને કેન્દ્ર સ્થાને રાખી છે.
પાંચ વર્ષમાં જે કામ કરવાનું યાદ ન આવ્યું તે નીતિશ સરકારને હવે યાદ આવ્યું છે. નરેન્દ્રભાઈ આજે વીડિયો કોન્ફરન્સમાં હાજર રહી આ યોજનાનું ઉદ્ઘાટન કરશે. નીતિશ કુમારની હાજરીમાં શરૂ થનારી આ યોજના અંતર્ગત દરેક પરિવારની મહિલાને પોતાની પસંદનો રોજગાર શરૂ કરવા માટે રૂ. 10,000નો પહેલો હપ્તો આપવામાં આવશે. કામ શરૂ કર્યાના છ મહિના બાદ બિઝનેસ કઈ રીતે ચાલે છે અને આગળ વધી શકે છે કે કેમ તેની ચોક્કસાઈ કર્યા બાદ મહિલાને રૂ. 2 લાખ આપવામાં આવશે. આ યોજના જે બચત જૂથો હોય છે અને સ્વયં સહાયતા જૂથો હોય છે તે મહિલાઓ માટે છે. આ મહિલાઓને માત્ર ધનરાશિ નહીં તાલીમ પણ આપવામાં આવશે, તેમ સરકારે જણાવ્યું હતું.આ યોજના હેઠળ ઉત્પાદકોના વેચાણને માર્કેટ મળે તે માટે ગ્રામીણ હાટ બજારોને વિકસિત કરવામાં આવે છે. આ યોજના મહિલાઓને બજારમાં તેમની પ્રોડક્ટ પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ રીતે તેમને રોજગારી મળશે.