ભારતે અને ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે તેમના દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અને સૈન્ય આંતર-કાર્યક્ષમતાને વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ લીધો છે. બંને દેશોએ ત્રણ મુખ્ય સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા અને ‘ક્વાડ’ દેશો વચ્ચે રહેલી વ્યૂહાત્મક સમાનતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર સંકેત આપી રહ્યું છે કે અમેરિકા હવે ચીનનો મુકાબલો કરતી ઇન્ડો-પેસિફિક વ્યૂહરચનામાં પહેલા જેટલું રોકાણ કરશે નહીં.
કેનબેરામાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક દરમિયાન, ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચર્ડ માર્લ્સે ત્રણ મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા: ગોપનીય સૂચનાઓનું આદાનપ્રદાન: સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતીની વહેંચણી માટે, પરસ્પર સબમરીન શોધ અને બચાવ સહયોગ: સંકટના સમયે સબમરીનની શોધ અને બચાવમાં સહકાર, સંયુક્ત સ્ટાફ વાર્તા તંત્રની સ્થાપના: સૈન્ય અને સંરક્ષણ સ્તરે નિયમિત સંવાદ જાળવવા માટે.આ ઉપરાંત, બંને દેશો હવે સંયુક્ત દરિયાઈ સુરક્ષા સહયોગ રોડમેપને અંતિમ સ્વરૂપ આપવા અને 2009ના સુરક્ષા કરારની જગ્યા લેનારા દીર્ઘકાલિન સંરક્ષણ માળખા પર પણ કામ કરી રહ્યા છે.
અમેરિકા સાથે વધતા ટેરિફ વિવાદ અને વ્યૂહનૈતિક તણાવ વચ્ચે ભારત હવે ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને ફિલિપાઇન્સ જેવા પ્રાદેશિક ભાગીદારો સાથે સંરક્ષણ સહયોગને વેગ આપી રહ્યું છે. આ તમામ દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વિસ્તરણવાદી વલણથી ચિંતિત છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આ ઓસ્ટ્રેલિયા યાત્રા 2014 પછી કોઈ ભારતીય સંરક્ષણ મંત્રીની પ્રથમ સત્તાવાર મુલાકાત છે.ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી માર્લ્સે સ્પષ્ટપણે કહ્યું હતું કે ચીન બંને દેશો માટે સૌથી મોટી સુરક્ષા ચિંતા છે. બંને મંત્રીઓએ જણાવ્યું હતું કે મુક્ત, ખુલ્લો, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક જાળવવા માટે પ્રાદેશિક સહયોગને મજબૂત કરવો જરૂરી છે. તેમણે દરિયાઈ નેવિગેશનની સ્વતંત્રતા, હવાઈ ઉડાનની સુરક્ષા અને અવિરત વેપારને સમર્થન આપ્યું. આ સાથે જ, ક્વાડ દેશો વચ્ચે દરિયાઈ દેખરેખ વધારવા અને આગામી મહિને યોજાનાર મલબાર નૌસૈનિક અભ્યાસની તૈયારીઓ પર પણ ચર્ચા કરી.






